આસ્થા અને શ્રદ્ધાનો મેળો એટલે શિવરાત્રિનો મેળો જ્યાં ભજન ,ભોજન અને ભક્તિ ની સાથે ચાર દિવસ ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે…
ત્રણ દિવસથી ચાલતા આ મેળામાં અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે શ્રદ્ધાળુ એ જુનાગઢ ભવનાથ મંદિર અને અલગ અલગ તીર્થ સ્થાનોના ના દર્શન કર્યા છે. ભજન કીર્તન તેમજ ભોજન સાથે મહાદેવ નો જય જયકાર કર્યો હતો.
ગિરનારની ભૂમિ એ સાધુ-સંતોનું પિયર છે. દર વર્ષે ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળામાં દેશ- વિદેશથી સાધુ, સંતો પધારે છે. સૌ કોઈ જાણે છેકે સનાતન ધર્મ સર્વોપરી છે. દેશ-વિદેશના લોકો આપણા ધર્મથી પ્રભાવિત થઈ રહ્યા છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ મહાશિવરાત્રીના મેળામાં જોવા મળી રહ્યું છે.
એક રશિયન યુવતી સનાતન ધર્મથી પ્રભાવિત બનીને મોક્ષ મેળવવા માટે સાધ્વી બની છે, અને ભવનાથમાં શિવરાત્રી મેળામાં પહેલીવાર આવીને તેણીએ ધૂણો લગાવ્યો છે. ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે કિન્નર અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ વર્ષે એક રશિયન યુવતી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યુવતી અખાડાના સાધુઓની રાવટી સાથે ભગવો ધારણ કરીને બેઠી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવતીએ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પ્રભાવિત થઈને હિન્દુ સનાતન ધર્મ અપનાવી લીધો છે અને અખાડામાં સાધ્વી બનીને અન્નપૂર્ણાગીરી નામ પણ ધારણ કરી લીધું છે.
કોણ છે આ યુવતી?
રશિયામાં જન્મેલ યુવતી 17 વર્ષની ઉમરે પોતાના યોગ ગુરુ સાથે ભારતમાં પહેલીવાર કેદારનાથ યોગ માટે આવી હતી, આજે તે યુવતી સાધ્વી બનીને અન્નપુર્ણાગીરીજી મહારાજ ગુરુ દિગંબર શિવરાજગીરીજી મહારાજ (હરિદ્વાર) નામે ઓળખાય છે, સાધ્વી બનવા પાછળના મુખ્ય કારણો વિશે જણાવ્યું કે, તે યોગ ટીચર હતી, અને તે યોગ માટે ભારત આવી.
નાનપણથી જ તેણી શિવજીથી અને યોગ સાધનાથી પ્રભાવિત હતી. હાલમાં તેઓ રૂદ્રપ્રયાગ ખાતે રહે છે, ગત વર્ષે પણ ભવનાથ ખાતે આવી હતી અને ભોળાનાથની ધુણી ધંખાવી હતી. આ વર્ષે ફરી વખત ભોળાનાથની ધુણી ધંખાવી છે. અંગ્રેજીમાં માહિર યુવતી હાલ સંસ્કૃતના શ્લોક બોલે છે.
આ મહા શિવરાત્રિના મેળામાં રોમથી શિવાની ભારતી અને અમર ભારતી નામના 2 સાધુ પણ આવ્યા છે. તેઓ સતત આખો દિવસ ઓમ નમ: શિવાયના જાપ જપતા રહે છે. આ અંગે અમરભારતીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત જૂનાગઢના મહા શિવરાત્રિના મેળામાં આવ્યો છું.
ખાસ કરીને અલ્હાબાદમાં તો કુંભનો મેળો યોજાય છે સાથે જૂનાગઢમાં મિનીકુંભ યોજાય છેે, એવું જાણ્યા બાદ પ્રથમ વખત જૂનાગઢ આવ્યા છીએ. અહિં તપસ્વિ લોકોની ભૂમિ હોય મેળો કરવા આવ્યો છું.
મેં 4 વર્ષ પહેલા દિલ્હીના વિશ્વંભર ભારતી બાપુ નામના સાધુ પાસેથી દિક્ષા લીધી છે. નેપાળ, શ્રીલંકા બાદ ભારતના ધાર્મિક સ્થાનોના ભ્રમણમાં નિકળ્યા છીએ. ખાસ કરીને અનેક દેશોમાં આધ્યાત્મિક લોકોના સત્સંગમાં આવ્યા છીએ,
પરંતુ હવે સમજાયું છે કે, તમામ ધર્મોનું મૂળ સનાતન ધર્મ છે. ભારત આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર ધરાવતો દેશ છે. દરમિયાન તેમના પૂર્વાશ્રમ અંગે પૂછતા વો મર ગયા એવું જણાવી જૂની ઓળખ ફરી તાજી કરવા માંગતા ન હોય તેમ જણાયું હતું.